રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી હોઈ તેમ 6 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને લીધે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લીધે વાહન ચાલુ કરીને મુશ્કેલી ભોગવવી પડી હતી. બીજી તરફ વરસાદના પગલે રાજકોટ શહેરના 20 લાખ લોકોની જીવાદોરી સમાન આજી – 1 ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં 41 મિલિમીટર, ઇસ્ટ ઝોનમાં 39 મિલિમીટર અને સેન્ટ્રલ ઝોનમાં 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેને લીધે રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ગોંડલ રોડ, મવડી ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી હતી. આ ઉપરાંત રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે ત્યાં પાણી ભરાઈ જતા વાહન અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી હતી.