ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ગુરુવારથી રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ શરૂ થઇ ગઈ છે. ગુરુવારે પહેલા જ દિવસે શાળાઓમાં ભૂલકાંઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત શિક્ષકો, આચાર્યોએ શાળાના ગેટ પર ઊભા રહીને વિદ્યાર્થીઓને ચોકલેટ, ફૂલ અને રોપા આપીને આવકાર્યા હતા. જિલ્લાની 900થી વધુ શાળાઓમાં ગુરુવારથી નવું સત્ર શરૂ થઇ ગયું છે. પહેલા દિવસે બાળકોને શાળામાં અભ્યાસ નહીં પરંતુ જુદી જુદી ગેમ્સ, સ્પર્ધાઓ રમાડી મનોરંજન કર્યું હતું. શિક્ષકોએ પણ પહેલા દિવસે બાળકોને વેકેશનમાં શું શું કર્યું તે પૂછતાં બાળકોએ વેકેશનના અનુભવો શિક્ષકો સાથે વાગોળ્યા હતા. જોકે પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યા થોડી ઓછી હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું.
લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતા વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં જોવા મળ્યા છે. રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ સુરક્ષા અને સલામતી સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, વેકેશનમાં ગરમીના કારણે કંટાળી ગયા હવે સ્કૂલમાં પાછા ફરતા ખૂબ આનંદ થયો છે.