રાજકોટ બાર એસોસિએશનની 20 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ બાર એસોસિએશનની એક જ દિવસે ચૂંટણી યોજવા આદેશ કરાયો છે અને તે મુજબ આગામી તા.20મીએ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ઘણા લાંબા સમય બાદ ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની પેનલ ઊભી નહીં રાખવાનો મોટો નિર્ણય કરાયો છે.

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ સોમવારથી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી અને એક મહિલા અનામત સહિત કારોબારી સભ્યની 10 જગ્યા માટે સોમવારથી જ ઉમેદવારી પત્રો ભરાવવાના શરૂ થઇ ગયા છે અને બે ઉમેદવારો કારોબારી સમિતિ માટે ફોર્મ ભરી દીધા છે. આ ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો આગામી 6ઠ્ઠીના સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.9મીએ કરાશે અને ત્યારબાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે.

તા.10મીએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે અને તા.11મીએ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. જ્યારે તા.20મીએ નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ગુજરાત બાર કાઉન્સિલની મતદારયાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદારો મતદાન કરી શકશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે કેતન ડી.શાહ, જયેશ એન.અતીત અને જતિન વી.ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *