રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી પૂર્વે એક પછી એક વિવાદો સામે આવતા રહે છે. થોડા દિવસો પહેલા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ RBA પેનલના દિલીપ પટેલ, વર્તમાન પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરાએ લીગલ સેમિનારના નિયમોનું ઉલ્લંઘન કરી 400 વકીલો પાસેથી રૂ. 16 લાખ ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે તેને દિલીપ પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા ત્યારે હવે દિલીપ પટેલનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, એ લોકોને એમ લાગે છે કે આપણે છોકરા છીએ, પરંતુ અમે છોકરા નહીં તારા બાપ છીએ.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ‘કાંટે કી ટક્કર’ના એંધાણ રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો મામલો હવે ગરમાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વકીલ આલમમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે ભારે ઉત્સાહ છે. પરંપરાગત રીતે, આ ચૂંટણીમાં બે મુખ્ય પેનલ, ‘સમરસ પેનલ’ અને ‘RBA પેનલ’ વચ્ચે સીધો જંગ જોવા મળે છે. આ જંગમાં વકીલોના હિત અને બાર એસોસિએશનના વર્ચસ્વની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે આ ચૂંટણી ‘કાંટે કી ટક્કર’ થવાના એંધાણ આપી રહી છે.
‘એ લોકો આપણને છોકરા સમજે છે પરંતુ આપણે બાપ છીએ’ જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન RBA પેનલના દિલીપ પટેલનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, એ લોકોને ભલે એવું લાગે કે આપણે છોકરા છીએ પરંતુ છોકરા નહીં તારા બાપ છીએ. જે બાદ જણાવ્યું હતું કે, આપણે બધા ધરતી સાથે જોડાયેલા છીએ જ્યારે તેમાંના બધા ઊંચું માથું રાખીને કોઈને બોલાવે નહીં તેવા છે જેથી તે બધા પિટાઈ જ જવાના છે. ગત વર્ષે આપણા ચાર ઉમેદવારો જીત્યા ન હતા તે આપણી હારે જ કહેવાય જેથી આ વખતે આખી પેનલ જીતવી જોઈએ.