રાજકોટ શહેરમાં માદક પદાર્થોની ફેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના પોલીસ વડા દ્વારા મળી છે. જેથી ભક્તિનગર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વોચ ગોઠવીને બેઠી હતી. તે દરમિયાન એક્સેસ મોટર સાયકલમાં ગાંજાનો 11 કિલો જથ્થો લઈને નીકળેલા સગીરને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી વાહન, ગાંજો, મોબાઇલ સહિત કુલ 1 લાખ70 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેર પોલીસ દ્વારા SAY NO TO DRUGSની ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોનું સેવન તેમજ વેચાણ કરતા શખસો ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના જંગલેશ્વર શેરી નંબર 9ના ખૂણે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળો શખસ એક્સેસ લઈને નીકળતા અટકાવી જડતી લેતા તેની પાસેથી રૂ.1.10 લાખની કિંમતનો 11 કિલો ગાંજો મળી આવતા તેને સકંજામાં લઇ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ચાર સામે ગુનો નોંધી સગીરની ધરપકડ કરી
પોલીસે શખસની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા જંગલેશ્વર વિસ્તારમાં જ રહેતો 16 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ સગીર પાસેથી મળી આવેલ જથ્થો એફએસએલ પરીક્ષણ કરાવતા આ જથ્થો ગાંજો જ હોવાનું સામે આવતા પોલીસે ગાંજો, વાહન, મોબાઈલ સહિત 1,70,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગાંજા બાબતે સગીરની વધુ પૂછતાછ કરતા જંગલેશ્વરના જ દાનીશ ઉર્ફે ભગો હનીફ્સાઈ માજોઠી, હબીબ હારૂનભાઈ ખીયાણી અને એક હિન્દીભાષી ભૈયાનું નામ ખૂલતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી સગીરની ધરપકડ કરી અન્ય ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે.