શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર મજૂરી કરતો મૂળ ઓરીસ્સાનો શ્રમિક ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. અભિમન્યુ પ્રેમ મુકુરા ઉર્ફે રૂતુભાઈ (ઉં.વ.35) ગઈકાલે બપોરે બિલ્ડિંગમાં ત્રીજા માળે સેન્ટીંગનું કામ કરી રહ્યો હતો. દરમ્યાન તે ત્રીજા માળેથી પહેલા માળે પટકાયો હતો તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતા હાજર અન્ય લોકોએ 108માં ફોન કર્યો હતો એમ્બ્યુલન્સ આવી જતા ઇએમટીએ જોઈ તપાસી અભિમન્યુને મૃત જાહેર કર્યો હતો. અભિમન્યુ મૂળ ઓરીસ્સાનો વતની હતો. તેના પ્રથમ લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હતા અને બાદમાં બીજા લગ્ન કર્યા હતા. હાલ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બનાવ પોરબંદર જિલ્લાના વતની અને હાલ ગાયકવાડી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેણી તેના બહેનના ઘરે 8 વર્ષથી રીશામણે આવેલ છે. તેણીને સંતાનમાં 14 વર્ષની એક દિકરી અને 13 વર્ષનો દીકરો છે. તેણીના પતિ ગાયકવાડીમાં રહે છે. તેમની દિકરી અવાર નવાર પતિના ઘરે રોકાવા જતી હતી. આશરે બે મહીના પહેલા તેણીની દિકરી પિતાને ત્યાં રોકાવા ગયેલ હતી. ગઈકાલે વહેલી સવાર 6 વાગ્યે તેમના સાસુ કે જેઓ તેમના પતિ સાથે રહે છે તેમનો ફોન આવેલ કે, તારી પુત્રી રાત્રે મારા રૂમમા સુતેલ હતી. ત્યારબાદ વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ ઉઠીને જોયુ તો તે ઘરમાં હાજર ન હતી. ત્યાર બાદ સાસુએ જાણાવેલ કે, તેમને આજુબાજુ તપાસ કરેલ તો પુત્રી ક્યાંય મળી આવેલ નથી. બાદ પતિના ઘરની આસપાસ તેમજ સગા સંબંધીઓ પાસે તપાસ કરાવતા પુત્રી નહિ મળી આવતા અંતે પોલીસમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.