રાજકોટ એસટી બસ સ્ટેશનમાં હવે ગંદકી કરનારાઓની ખેર નથી. કારણ કે અહીં થૂંકનારાઓને રૂ.200, ધુમ્રપાન કરનારાઓને રૂ.100નો દંડ ફટકારવાની ઝૂંબેશ કડક બનાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને સાર્થક બનાવવા માટે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર સ્વચ્છતા બાબતે મુસાફરોને સમજ આપવામાં આવી રહી છે. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સમયાંતરે એનાઉસમેન્ટ કરીને મુસાફરોને સ્વચ્છતા રાખવા બાબતે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ વોલ્વો મેનેજર એન. વી. ઠુમ્મર તથા સીનીયર ડેપો મેનેજર જી. એચ. ચગના જણાવ્યા મુજબ વિભાગીય નિયામક એમ.પી.રાજના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન, ડેપો પરિસર તથા બસની અંદર કચરો કરનારા, પાન-મસાલાની પિચકારીઓ મારનારા તેમજ ગંદકી ફેલાવનારા સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિ પાસેથી રૂ.100નો દંડ વસૂલવામાં આવશે. જ્યારે જ્યાં ત્યાં થૂંકનારી વ્યક્તિ સામે રૂ.200 નો દંડ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ બસ પોર્ટમાં ‘ધ્રુમપાનની મનાઈ છે’, ‘થૂંકવું નહીં’, ‘ખિસ્સા કાતરુથી સાવધાન’ જેવા સૂત્રો ધરાવતા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. આમ છતાં પણ જો કોઈપણ વ્યક્તિ બસ સ્ટેશન કે બસની અંદર ગંદકી ફેલાવતી હોવાનું જણાશે તો તેની સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.