રાજકોટમાં પ્રેમ લગ્નના મામલે યુવાનનું અપહરણ અને તેની માતાને આપઘાત કરવા મજબૂર કરાયાના કેસમાં જેનું અપહરણ થયું હતું તે ગાૈતમ જાનીએ ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટીસને પત્ર લખી આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા માંગ કરી છે.
ગૌતમ જાનીએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તા.15 જાન્યુઆરીના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જલા સભાડ, મેહુલ સભાડ સહિત આઠ આરોપી સામે અપહરણ અને આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, ઘટના બન્યા બાદ શરૂઆતથી જ યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર સાથે ઓરમાયું વર્તન શરૂ કર્યું હતું, તપાસનીશ અધિકારી દ્વારા આરોપીઓના કોલ ડિટેલ્સ ને લોકેશન મેળવવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા નથી, ગૌતમ જાનીને જૂનાગઢના સમેગા ગામે લઇ જવાયો હતો ત્યારે રસ્તામાં ભરૂડી ટોલ પ્લાઝા તથા પીઠડિયા ટોલ પ્લાઝા આવ્યા ત્યાંના ફૂટેજ મેળવવામાં આવે તો જે વાહન અપહરણના મામલે કબજે કરવામાં આવ્યું છે તે વાહન નહીં પરંતુ અન્ય વાહનનો અપહરણમાં ઉપયોગ થયો છે તેવું બહાર આવી શકે તેમ છે અને અપહરણમાં મોટા રાજકારણીના વાહનનો ઉપયોગ થયો હોવાની શંકા છે. આરોપીઓ ઝનૂની અને રાજકીય વગ ધરાવતા હોવાથી ભવિષ્યમાં ગૌતમ અને તેના ભાઇ મિલનને મારી નાખશે તેવી પણ દહેશત વ્યક્ત કરી આ પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપો.