રાજકોટ તાલુકા પોલીસે ચોરી થયેલી મોટરસાઈકલો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ટેક્નિકલ સોર્સ અને પોકેટકોપ એપનો ઉપયોગ કરી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીનું નામ 25 વર્ષીય સુમિત બાબુભાઈ વીરાણી (ઉં.વ. 25) છે, જે મૂળ ખાનકોટડા, જામનગરનો છે અને હાલ સુરતમાં રહે છે. પોલીસને મળેલ બાતમીના આધારે, સુમિત વીરાણી રાજકોટ-કાલાવડ રોડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી એક હોન્ડા એક્ટિવા મળી આવ્યું હતું, જે તેણે બે મહિના પહેલા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરથી ચોર્યું હતું. વધુ પૂછપરછમાં, તેણે અન્ય ત્રણ મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી, જે પણ પોલીસે કબજે કર્યા છે. આરોપીએ ધ્રોલ બસ સ્ટેન્ડ પરથી એક મોટરસાઈકલ ચોરીને તેના મિત્રને આપ્યાની કબૂલાત કરી છે. કબજે કરાયેલા વાહનોની કુલ કિંમત રૂ. 1,36,000 છે. હાલ તાલુકા પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય બનાવમા રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી શ્રી માતેશ્વરી સુપર માર્કેટમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી પથ્થરમારો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુકાનદાર મહાવીરસિંહ રાઠોડે બી. ડિવિઝન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ઘટનાની વિગત મુજબ, ગત તા. 12ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ એક શખ્સ ઇલેક્ટ્રિક એક્ટિવા પર દુકાને આવ્યો હતો. તેણે દુકાનદારને ધમકી આપી કે બે દિવસ પહેલાં અહીંથી લીધેલા દૂધને કારણે તેનો ભાણેજ બીમાર પડ્યો છે. દુકાનદારે મદદની ઓફર કરી હોવા છતાં, તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલા લોખંડના સળિયાથી દુકાનના કાઉન્ટરના કાચ તોડી નાખ્યા હતા. ત્યાર બાદ તેણે પથ્થર ભરેલી ડોલમાંથી દુકાનમાં પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમયે તેણે ‘ત્રણ દિવસમાં તારી દુકાન બંધ કરાવી દઈશ’ તેવી ધમકી પણ આપી હતી.આ ઘટના બાદ દુકાનદાર મહાવીરસિંહે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.