રાજકોટ પાસે મઘરવાડામાં બે બાઈકની ટક્કરમાં યુવકનું મોત, એક વ્યક્તિ ઘાયલ

કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે રોડ ક્રોસ કરતી વખતે બે બાઈક ભટકાતાં બંને ફંગોળાઈ દૂર જઈ પટકાયા હતા. જેમાં યુવાનનું મોત થયું હતું અને અન્ય ચાલક હાલ સારવાર હેઠળ ગંભીર અવસ્થામાં છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે વિનોદભાઈ બેલડિયાની વાડીમાં રહેતા અને દસેક દિવસથી કૂવા ગાળવાનું કામ કરતા મોહનભાઈ નારણભાઈ સાલવી(ઉં.વ.40)નામના યુવકનું વાડીની સામેના પેટ્રોલપંપે કેરબો લઈને ડીઝલ પુરાવી બાઈક લઈને વાડીએ પરત ફરતી વખતે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવતા અન્ય બાઈક ચાલકે અડફેટે લેતા બંને દૂર જઈ ફંગોળાઈ ગયા હતા.

બનાવને પગલે તાત્કલિક 108ને બોલાવી બંનેને 108 મારફતે નજીકની કુવાડવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી મોહનભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીં ટૂંકી સારવારમાં યુવકનું મોત નીપજતા કુવાડવા રોડ પોલીસે મૃતક યુવાનના મોટા ભાઈ તેજારામની ફરિયાદના આધારે બાઈકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રહે છે અને મઘરવાડા ગામે ખેતમજૂરી કરે છે. આ ઉપરાંત તે કૂવા ગાળવાનું કામ છે. જેથી છૂટક કૂવા ગાળવા માટે પણ જતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *