તાજેતરમાં નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં દસ્તાવેજ કરતી વખતે લખી આપનાર, લખાવી લેનાર અને માત્ર સાક્ષી સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સામાન્ય રીતે દસ્તાવેજ કરતી વખતે વકીલો સાથે હોય છે. ત્યારે આ પરિપત્ર દ્વારા એડવોકેટને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે આજે નોંધણી કચેરીએ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ પરિપત્ર પરત લેવા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના પરિપત્રનો વકીલો દ્વારા વિરોધ
રેવન્યુ બાર એસોસિએશનનાં સભ્ય દિવ્યેશભાઈ ચગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દસ્તાવેજ સમયે ખરીદનાર, વેચનાર અને સાક્ષી સિવાય કોઈને સાથે રહેવાની મનાઈ કરી દેવામાં આવી છે. ખરેખર દસ્તાવેજની કામગીરી ટેક્નિકલ હોય છે. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ વારંવાર તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ કામગીરી સચોટ રીતે થાય તેના માટે વકીલોની હાજરી અનિવાર્ય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ન ઉદભવે તે માટેનાં ટેક્નિકલ મુદ્દાઓ જોઈને દસ્તાવેજની પ્રક્રિયા વકીલો જ કરાવતા હોય છે.
સામાન્ય લોકોને આ માટેના ગરવી ગુજરાત સહિતના સોફ્ટવેરમાં કોઈ ખ્યાલ આવે તેવી શક્યતા ન હોવાથી એડવોકેટની હાજરી જરૂરી છે. આ દસ્તાવેજ જે-તે વ્યક્તિની મરણમૂડી સમાન હોય છે. ત્યારે તેમાં કોઈ કચાશ ન રહે અને સચોટ કામગીરી થાય તે જરૂરી છે. ભવિષ્યમાં કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને ડુપ્લિકેટ દસ્તાવેજ ન કરે તેની કાળજી રાખીને વકીલો કામગીરી કરતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત વ્યક્તિની વ્યાખ્યા વિનાનો કરાયેલો પરિપત્ર અયોગ્ય છે. અને અમે તેનો સખત વિરોધ કરી આ પરિપત્ર પરત લેવા માટેની માંગ કરીએ છીએ.