રાજકોટ નજીક આવેલા સોખડાના કારખાનેદારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાછળના સોખડામાં રહેતા કારખાનેદારે ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દવા પીતા પહેલાં કારખાનેદારે વીડિયો બનાવ્યો હતો જેમાં વ્યાજખોરો અને સરપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સોખડામાં રહેતા અને ઘર સાથે જ બંગડીના પાઇપ બનાવવાનું કારખાનું ધરાવતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભીએ સોમવારે મધરાત્રે વીડિયો બનાવ્યા બાદ ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રમેશભાઇએ વીડિયોમાં કહ્યું હતું કે,‘આજે હું આત્મહત્યા કરું છું, મારી તકલીફ બહુ વધી ગઇ છે, વ્યાજના ચક્કર બહું ચડી ગયા છે, વ્યાજ કે હપ્તા ભરી શકતો નથી, એક વર્ષથી કોઇને વ્યાજ આપ્યું નથી, ધંધો ચાલુ કરું ત્યાં માથે આવીને ઊભા રહી જાય છે અને લાવો પૈસા લાવો કહી ઉઘરાણી કરે છે. બાજુનું કારખાનું વેચી નાખ્યું છે, અઢી કરોડનું કારખાનું એક કરોડ છ લાખમાં વેચી નાખ્યું છે, સરપંચે લઇ લીધું છે, મારે એમને પણ પૈસા દઇ દેવા છે, મને ચાર છ મહિના વર્ષ જેટલો સમય મળી જાત તો વ્યવસ્થા કરી દેત, પણ ટોર્ચર ચાલુ ને ચાલું જ રહ્યું છે, એટલે હું આગળ વધી શકતો નથી. બાજુના પર પણ દેવું થઇ ગયું છે, આ કારખાનું પણ સસ્તાભાવે વેચાઇ જશે, લોકડાઉન પછી ધંધો લોક થઇ ગયો હતો, મૂડી હતી તે વ્યાજ અને હપ્તામાં જ જતી રહી, બીજી રકમ વ્યાજે લઇ હપ્તા ભર્યા, બે અઢી વર્ષથી મેં આવું જ કર્યું જેથી હવે હું આત્મહત્યા કરું છું.’ પોલીસે વીડિયોના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *