રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 22 મહિનાથી ગુજસીટોકના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ભરત મુછડીયા (ઉ.વ.44) વેશપલટો કરી રીક્ષા ચલાવતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ભરત મુછડીયા વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેર, જિલ્લા તેમજ પંચમહાલ અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 8 જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોતે છેલ્લા 22 મહિનાથી રાજકોટ તાલુકા પોલીસના ગુજસીટોકના ગુનામાં નાસ્તો ફરતો હતો જેથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આરોપીને ભગાડવા તેમજ આસરો આપવામાં કોઈએ મદદ કરી હતી કે કેમ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવ મિતેશ દેવાભાઈ સનુરા (ઉં.વ.20) ગઈ તા.27.09.2025ના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ પોતે મેટોડા નજીક કાલાવડ રોડ ઉપર અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પરત ગઈકાલે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ થતા ચાલુ સારવાર દરમિયાન સાંજે 5.40 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. મિતેશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. મેટોડા ખાતે ખોડીયાર ફેશન નામે રેડીમેડ કપડાની દુકાન ચલાવતો હતો. બનાવના દિવસે તે પોતાની દુકાન વધાવીને એકટીવા પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સ્કૂટર સ્લીપ થયું કે કોઈ વાહન તેને અથડાવીને નાસી ગયું તે અંગે પોલીસની તપાસ ચાલુ છે.