રાજકોટ મહાનગરપાલિકાના અમુક જવાબદાર અધિકારીઓને કારણે રાજકોટ-સોમનાથ સિક્સલેન હાઇવેની કામગીરી ઘોંચમાં પડી હોવાનું અને ભવિષ્યમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ વ્યક્ત કરતા ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલને પગલે રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને આ સંદર્ભે તાકીદે તપાસ કરાવી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સિક્સલેનની કામગીરી મોડી ન પડે તે માટે રૂ.212.50 કરોડ ફાળવ્યા છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી મળે તે માટે ભાદર ડેમથી ગોંડલ રોડ ગુરુકુળ હેડવર્કસ સુધી પાણીની લાઇન બિછાવાઇ છે. આ લાઇન ગોમટા ચોકડીથી શહેર સુધી નેશનલ હાઇવે-27 એટલે કે રાજકોટ-સોમનાથ હાઇવેની જગ્યામાં નાખવામાં આવી છે. આ હાઇવે હવે સિક્સલેન થવાનો છે. જેને લઇને મહાનગરપાલિકાની હયાત પાઇપલાઇન નડતરરૂપ હોવાથી તેને મેઇન રોડમાંથી સર્વિસ રોડ બાજુ ખસેડવી જરૂરી બની છે. આવા કિસ્સાઓમાં પ્રોજેક્ટ શરૂ થતા પહેલાં જ પત્ર વ્યવહાર કરીને જે તે તંત્રની યુટિલિટી દૂર કરી દેવાતી હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાના કિસ્સામાં ગંભીર બેદરકારી છતી થઇ છે.
નેશનલ હાઇવે ઓથોરિટીએ 2023માં પત્ર લખ્યો હતો અને હાઇવે પહોળો કરવાનો હોવાથી લાઇન શિફ્ટ કરવી જરૂરી છે અને જ્યાં વધારાની જગ્યા નથી ત્યાં સર્વિસ રોડ નીચે લાઇન છે તેના પર ખાસ પ્રકારનું લેયર નાખવાની જરૂર છે. મનપાએ આ પત્રને ગંભીરતાથી નહીં લેતા અને જવાબ નહીં આપતા એક વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. એનએચએઆઈએ અનેક પત્રો લખ્યા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ ધ્યાને ન લેતાં છેવટે લાઇનની ઉપર એનએચએઆઇએ કામ શરૂ કરી દેતા અનેક જગ્યાએ લાઇન તૂટી હતી અને રાજકોટમાં પાણીકાપ પણ લેવાયો હતો. એરવાલ્વ તૂટી ગયા હતા અને દુર્ઘટનાનો પણ ખતરો હતો. અને મનપાને લાઈન રિપેરિંગ માટે ખર્ચ કરવો પડ્યો અને લોકોએ પાણીકાપ સહન કરવો પડ્યો હતો.