રાજકોટ શહેર બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનના નવા માળખાની રચના માટે આજે સેન્સની પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ અને ગાંધીનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ રૂચિત ભટ્ટને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સેન્સ પ્રક્રિયામાં MLA જયેશ રાદડિયા, ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વર્તમાન મહામંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા. આગામી સમયમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખને મદદરૂપ થવા માટે 20 હોદ્દેદારોની ટીમ બનશે. જેમાં 3 મહામંત્રી, 8 મંત્રી, 8 ઉપપ્રમુખ અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. વર્તમાન ટીમમાંથી કેટલા કાર્યકર્તાઓને રિપીટ કરવામાં આવે છે અને કેટલા નવા ચહેરાઓને સ્થાન મળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાથી વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિત્વ મળી રહે તે પ્રમાણે માળખું ગોઠવવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ‘આપ’ પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે એ તો બધા આવે, પણ એ તો બિલાડીના ટોપ જેવી વાત છે. દિલ્હીની અંદર એક નવી પાર્ટી આવી તેણે 10 વર્ષ લોકોને છેતર્યા હતા. જોકે ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ તેને બતાવી દીધો છે. દેશમાં અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન જો ક્યાંય ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે અને ત્યાં પણ ‘લુખ્ખેશો’ની સરકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી, એનો અમને ભરોસો છે.