રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામ માટે તેની તમામ કચેરીઓને જૂના કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી તેની મંજૂરી માટેનો પત્ર ન મળ્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ કચેરીઓને નવું બિલ્ડિંગ બની જાય ત્યાં સુધી જૂના કોર્ટ બિલ્ડિંગમાં ખસેડવા પીડબલ્યુડીને દરખાસ્ત કરવામાં આવી હતી અને પીડબલ્યુડી દ્વારા આ માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટની મંજૂરી માગવામાં આવી હતી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ માટે ગુજરાત હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જિલ્લા પંચાયતને જૂના કોર્ટ બિલ્ડિંગના ઉપયોગની મંજૂરી આપવામાં આવે તે માટેની રાહ જોવાઇ રહી છે.