રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બેઠકમાં તમામ ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે. હવે પ્રમુખોની ચૂંટણી યોજાશે. ડિરેક્ટરમાં રાજકોટ જિલ્લાના સંઘમાંથી 7 અને મોરબી જિલ્લા સંઘમાંથી 3 ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રોસેસિંગ યુનિટમાં પડધરી તાલુકામાંથી પરસોત્તમભાઈ સાવલિયાની નિમણૂક થઇ છે. જ્યારે બાકીની બેઠક મંડળી માટે રિઝર્વ રાખવામાં આવી હતી. પ્રમુખોની ચૂંટણી માર્ચ મહિનામાં જાહેર થાય તેવી સંભાવના છે.
સહકારી જગતના સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય વિભાગમાં 6 મંડળીની બેઠક હતી અને 1 પ્રોસેસિંગ યુનિટ માટેની બેઠક હતી. મોરબી જિલ્લા સંઘમાં મોરબી ઉપરાંત વાંકાનેર અને માળિયાનો અને રાજકોટ જિલ્લામાં ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરીનો સમાવેશ થાય છે. જોકે પ્રોસેસિંગ યુનિટ અને મંડળીની બેઠક ફોર્મ ભરવાના દિવસે બિનહરીફ થઇ ગઇ હતી. આ બેઠક પર એક કરતાં વધુ ફોર્મ ભરાયા નહોતા એટલે તમામ બેઠક બિનહરીફ થઇ હતી. 20 સભ્યનું બોર્ડ બનશે. રાજકોટ સહકારી જગતની ચૂંટણી હરહંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. ત્યારે આ તમામ બેઠક બિનહરીફ બની ગઇ છે. હવે પ્રમુખની ચૂંટણીમાં કોણ ઉમેદવારને ઊભા રાખવામાં આવે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર કલેક્ટર દ્વારા હવે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. જોકે સહકારી જગતમાં હવે પ્રમુખોની ચૂંટણી તૈયારી ચાલી રહી છે. તેમ સૂત્રોએ જણાવ્યું છે.