કમોસમી વરસાદને કારણે રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં નુકસાની થઈ છે. જિલ્લામાં 652 ગામમાં નુકસાનીનો સરવે કરવામાં આવ્યો છે. સરવેમાં એવું તારણ નીકળ્યું છે કે, રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાનીનો અંદાજ છે.ખેતરમાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળી જવા, ઊગી જવા, કપાસના પાકમાં જીંડવા ખરી જવા સહિતની નુકસાની થઈ છે. જિલ્લામાં 102 ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા અને વીંછિયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી જેવા ખેતી અને બાગાયતી પાકોનો સરવેમાં સમાવેશ કરાયો છે.
જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે મગફળીના પાકના પાથરા પલળી જવા, પાથરામાં રાખેલી ખેતપેદાશો વરસાદને લીધે ઊગી જવી, કપાસના પાકમાં જીંડવા ખરી જવા કે ઊગી જવા, સોયાબીનના પાકમાં પાથરા પલળી જવા કે ઉગાવો નીકળી જવો જેવી નુકસાની થવા પામી છે. સાથોસાથ દિવેલા, તુવેર, ઘાસચારો વગેરે પાકોમાં નુકસાનીની વિગતો સરવેમાં સામેલ કરવામાં આવી છે.
સરવેની તાલુકા પ્રમાણે કરાયેલી કામગીરીની વિગતો મુજબ ધોરાજી તાલુકાના તમામ 36 ગામ, ગોંડલ તાલુકામાં 87, જામકંડોરણામાં 47, જસદણમાં 60, જેતપુરમાં 55, કોટડાસાંગાણીમાં 41, લોધિકામાં 38, પડધરીમાં 58, રાજકોટ તાલુકામાં 129, ઉપલેટામાં 55 ગામ અને વીંછિયાના 46 ગામ મળીને તમામ 652 ગામમાં સરવે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.