ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા અભિયાન છેડ્યું છે. જેના પરિણામે આજે રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે. ઝીરો બજેટવાળી અને ધરતીને નંદનવન બનાવતી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તે વિશે ખેડૂતોમાં પૃચ્છા વધવા લાગી છે. રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને 1,48,105 ખેડૂતને તાલીમ અને માર્ગદર્શન અપાયું છે. રાજ્યમાં આત્મા (એગ્રિકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે. ‘આત્મા’ એ જિલ્લા કક્ષાએ કાર્યરત રજિસ્ટર્ડ સોસાયટી છે, જે ટકાઉ કૃષિવિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓની સાથે રહીને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે.
પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતો તેના મહત્ત્વથી લઈને, નિંદામણ નિયંત્રણથી લઈ પાકના માવજત સુધીનું ચક્ર પદ્ધતિસર સમજે તે જરૂરી છે. આ માટે ‘આત્મા’એ વિવિધ વિષયો સાથેની તાલીમનું સુવ્યવસ્થિત માળખું (મોડ્યૂલ) તૈયાર કર્યું છે. આ તાલીમમાં સૌ પ્રથમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. જેમાં જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય, ખેતી ખર્ચમાં વધારો તથા કુલ આવકમાં વધારો જેવા વિષયો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.