રાજકોટ જિલ્લામાં 200 ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામા આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈના 23 વર્ષના સુ-શાસનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર તથા જિલ્લામાં આ સપ્તાહની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. ઈન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન ઘડવામાં આવ્યું હતું. જે મુજબ રાજકોટ મહાનગર, જિલ્લાની નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ સપ્તાહ દરમિયાન ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. આ સાથે વિવિધ થીમ સાથે યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ આરોગ્ય દિવસ તથા પ્રાકૃતિક ખેતી દિવસ જેવા દિવસની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પણ જોડવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના આઈકોનિક સ્થળો પર ‘ભારત વિકાસ પદયાત્રા’ પણ યોજાશે. જેમાં લોક કલાકારો દ્વારા છેલ્લા 23 વર્ષમાં વિકાસની વિવિધ યોજનાઓ થકી આવેલા પરિવર્તનની ગાથા લોકો સુધી પહોંચાડાશે. આ સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગર-જિલ્લામાં 200થી વધુ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોલ પેઈન્ટિંગ, સ્વચ્છતા, આઈકોનિક સ્થળ સુશોભન સહિતના કાર્યક્રમો પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *