રાજ્યભરમાં તા.9 નવેમ્બરથી મગફળી, ચણા અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયા બાદ એક મહિનામાં રાજકોટ જિલ્લામાં નોંધાયેલ 1,75,448 ખેડૂતો પૈકી 86184 ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ મારફતે કુલ 2008373 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી છે. સાથે જ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 43052 ખેડૂતના ખાતામાં રૂ.72792.78 લાખ જમા કરાવાયા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ મણ રૂ.1452ના ભાવે વધુમાં વધુ 125 મણ મગફળી ખરીદવાનું જાહેર કરી રાજ્યમાં 9મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો હતો.
અત્યાર સુધીમાં કુલ 34 દિવસમાં જિલ્લામાં નોંધાયેલ 1,75,448 ખેડૂતો પૈકી 97605 ખેડૂતોને મગફળી ખરીદી માટેના એસએમએસ મોકલ્યા હતા જે પૈકી 86184 ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરતા ગુજકોમાસોલ મારફતે 2008373 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધીમાં ખેતીવાડી વિભાગે 43052 ખેડૂતના ખાતામાં રૂ.72792.78 લાખ જમા કર્યા હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
50 ટકાથી વધુ ખેડૂતોને ચૂકવણા બાકી રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં તા.9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા બાદ ક્રમશ: તમામ ખેડૂતોને એસએમએસ મોકલી ગુજકોમાસોલ મગફળીની ખરીદી કરી રહ્યું છે જેમાં ખરીદી બાદ બેન્ક ખાતમાં નાણાં જમા થવામાં સમય લાગી રહ્યો છે.