ગુજરાતમાં હાલ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ગીરમાં વસતી વધતા સિંહો નવા વિસ્તારની શોધ કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ત્યારે હવે વનવિભાગે આ વિસ્તારોમાં સિંહ કાયમી વસવાટ કરી શકે તે માટે ‘સાવજ ગૃહ’નું નિર્માણ કરી સિંહને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટમાં છેલ્લી સિંહ ગણતરી દરમિયાન ખારચિયા, ભંડારિયા અને ઉમટ વીડીમાં 6 સિંહની હાજરી જોવા મળી હતી. વનવિભાગે હાલ અહીં ‘સાવજ ગૃહ’ના નિર્માણ કરી આર્ટિફિશિયલ પાણીના કુંડ, પોન્ડ બનાવ્યા છે અને જરુરી વૃક્ષારોપણ પણ કરાયું છે.
છેલ્લી સિંહ ગણતરી દરમિયાન રાજકોટ જિલ્લામાં 6 સિંહની હાજરી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં સિંહની અવરજવર રહેતી હોય છે જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં સિંહ કાયમી વસવાટ કરે તેવી પૂરી શક્યતા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 3 જગ્યાએ સાવજ ગૃહનું નિર્માણ થયું છે. જેમાં ગોંડલ રેન્જમાં જેતપુર ખારચિયા વીડીનો સમાવેશ થાય છે જ્યાં એક મહિના પહેલા જ એક સાથે 6 ડાલામથ્થા દેખાયા હતા. આ ઉપરાંત આ જ રેન્જમાં ભંડારીયા વીડી તો જસદણમાં ઉમટ વીડીમાં સાવજ ગૃહ બનાવવામાં આવ્યું છે. અહીં સિંહ પાણી પી શકે તે માટે પંજા આકારના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તો સિંહ શિકાર કરી શકે માટે તૃણાહારી પ્રાણીઓને ખાવાલાયક ઘાસ, દેશી જાંબુ, કરમદા, રાયણ, બોરડીનું વાવેતર કરવામાં આવ્યું છે.