જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લામાં ખેતીને મોટાપાયે નુકસાન થયાનો અંદાજ છે ત્યારે રાજ્ય સરકારના આદેશના પગલે ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેની સૂચનાથી 9 તાલુકાના 506 ગામમાં 57 ટીમ દ્વારા તારાજીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મેઘરાજાના અગાઉના રાઉન્ડમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના અમુક ગામોમાં જ નુકસાન થયું હતું. જ્યારે આ વખતે જિલ્લામાં ભારે વરસાદથી 9 તાલુકાના 506 ગામમાં નુકસાન થયાની ભીતિ છે. રાજ્ય સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે થયેલી નુકસાનીનો તાગ મેળવવા સરવે કરવા આદેશ કરાયો છે. આથી રાજકોટ જિલ્લામાં કુલ 57 ટીમ તૈયાર કરવામાં આવી છે અને જે પાકને નુકસાન થયું હોય તેનું ગ્રામ સેવકો રૂબરૂ જઇ માહિતી મેળવશે અને ત્યારબાદ રિપોર્ટિંગ કરશે. આગામી તા.10મી અને મોડામાં મોડી તા.12મી સુધીમાં સરવે પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક છે. નુકસાનીનો રિપોર્ટ આવી ગયા બાદ તે રાજ્ય સરકારને મોકલાશે.