આપણાં કૃષિપ્રધાન દેશમાં રાસાયણિક ખાતર થકી ખેતીના દુષ્પરિણામો આજે સામે આવી રહ્યા છે, ત્યારે અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતજમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન ‘બહુરત્ના વસુંધરા’ બને છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે પ્રાકૃતિક ખેતીથી બંજર બની ગયેલી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત-જમીન ફળદ્રુપ બની હોવાના કિસ્સા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં જામકંડોરણા, લોધિકા, જેતપુર, ઉપલેટા અને જસદણ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની જમીનનું જ્યારે પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે તેમાં ઓર્ગોનિક કાર્બન વધુ જોવા મળ્યું છે.
જામકંડોરણા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા 11 ખેડૂતોની જમીનના સોઈલ હેલ્થ કાર્ડમાં પૂરતી માત્રામાં ઓર્ગેનિક કાર્બન જોવા મળ્યું છે. જેમાં 3 ખેડૂતની જમીનમાં 0.62 થી લઈને 0.69 ટકા ઓર્ગેનિક કાર્બન, 4 ખેડૂતની જમીનમાં 0.76 થી લઈને 0.99 ટકા ઓર્ગેનિક કાર્બન જોવા મળ્યો હતો. એક ખેડૂતની જમીનમાં 1.07 તેમજ 3 ખેડૂતની જમીનમાં 1.21 ટકા જેટલો ઓર્ગેનિક કાર્બન જોવા મળ્યો હતો. જે પ્રાકૃતિક ખેતી થકી જમીન ફળદ્રુપ થયાની નિશાની છે. તેવી જ રીતે જસદણના કાળાસર ગામના પ્રાકૃતિક ખેડૂતની જમીનમાં સૌથી વધુ 1.37 ટકા ઓર્ગેનિક કાર્બન જોવા મળ્યો હતો. જ્યારે આ જ તાલુકાના 3 પ્રાકૃતિક ખેડૂતની જમીનમાં 0.44 થી લઈને 1.21 ટકા ઓર્ગેનિક કાર્બન જોવા મળ્યો છે.