રાજકોટ જિલ્લામાં ડોર ટુ ડોર સરવે હાથ ધરાશે, 6ઠ્ઠી જાન્યુઆરીએ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના પાંચ રાજ્યને બાદ કરતા ગુજરાત સહિત તમામ રાજ્યોમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અંતર્ગત આગામી તા.20મીથી રાજકોટ શહેર-જિલ્લામાં ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરાશે.

તેમજ મતદાન મથકોનું વેરિફિકેશન પણ કરાશે.રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી 20મી ઓગસ્ટથી 18મી ઓક્ટોબર સુધી બૂથ લેવલ ઓફિસર(બીએલઓ) દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં ડોર ટુ ડોર સરવે હાથ ધરી નામ ઉમેરવા, નામ કમી કરવા, સ્થળાંતર સહિતની બાબતોનો સરવે હાથ ધરી તેના ફોર્મ ભરાવવામાં આવશે અને મતદાન મથકોનું ચેકિંગ હાથ ધરાશે. ત્યારબાદ તા.19-10થી 28-10 સુધી આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આ‌વશે અને તા.29-10ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાશે.

ત્યારબાદ 29-10થી 28-11 સુધી એક મહિનો મતદારયાદી સંદર્ભે આવેલા વાંધાઓ અને દાવાઓનો દર શનિવાર અને રવિવારે નિકાલ કરાશે. આ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આવેલા ફોર્મની સાથોસાથ ડેટા એન્ટ્રી પણ શરૂ કરાશે. આ તમામ તબક્કા તા.1-1-2025 પહેલાં પૂર્ણ કરી લેવાશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.6ઠ્ઠી જાન્યુઆરી, 2025ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ગયા વર્ષથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે ચાર તબક્કા કરી નાખ્યા છે. જેમાં છેલ્લા તબક્કામાં પોલિંગ સ્ટેશનોની ચકાસણી તથા ઓળખપત્રની કાર્યવાહી પણ આવરી લેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *