ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એક ખેડૂત દીઠ ઓછામાં ઓછી 200 મણ મગફળી પણ થતી નથી. માટે આ જાહેરાત ખેડૂતો માટે મજાક સમાન છે. તેમ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવી આ નિર્ણયમાં બદલાવ નહિ થાય તો રાજકોટ જિલ્લાના ગામે ગામ ખેડૂતોને સાથે રાખીને આંદોલન અને ધરણાં કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી નહિ ખરીદવાથી તેઓને ખુલ્લા બજારમાં અને કેન્દ્રમાં બન્ને જગ્યાએ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિશીત ખૂંટના જણાવ્યાનુસાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાતથી ખેડૂતો ખુલ્લા બજારમાં પણ નહિ વેચી શકે. જો એક ખેડૂત દીઠ ઓછામાં ઓછી 200 મણ મગફળી ખરીદવામાં આવે તો જ ખેડૂતોને ટેકાના ભાવે કેન્દ્રમાં વેચવી તેઓને પોષાઈ શકે.હવે મગફળીની સિઝન શરૂ થશે.ત્યારે જ ટેકાના ભાવે કેન્દ્રમાં મગફળી વેચી શકાશે.
આ સમયે ખુલ્લા બજારમાં પણ આવક વધારે રહેતી હોય છે.સામાન્ય રીતે ટેકાના ભાવ કેન્દ્રમાં ખરીદી ચાલતી હોય છે ત્યારે યાર્ડમાં પણ મગફળીના ભાવની સપાટી નીચી રહેતી હોય છે.
આવી પરિસ્થિતિમાં જો એક ખેડૂત દીઠ ઓછામાં ઓછી 200 મણ મગફળી ખરીદવામાં આવે તો જ તેઓના હિતમાં રહે. અન્યથા ખેડૂતોને આ ટેકાના ભાવ કેન્દ્રમાં વેચવા માટેનો કોઈ ફાયદો થાય નહિ.આ અંગે અગાઉ કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમજ બહુમાળી ભવન ખાતે ખેડૂતો સાથે ધરણાં પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો.