હવામાન ખાતાની આગાહી બાદ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટાની સાથે ઉકળાટ વધ્યો હતો અને સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ઝાપટાંથી લઇને 90 મી.મી. વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના 3 તાલુકાને બાદ કરતાં અન્ય તમામ તાલુકામાં મેઘરાજાએ મહેર કરી હતી.
રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર તંત્રે જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ વરસાદ પડધરીમાં 90 મી.મી. નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં 14, કોટડાસાંગાણીમાં 7, ગોંડલમાં 10, જામકંડોરણામાં 6, ઉપલેટામાં 37, ધોરાજીમાં 43 અને જેતપુરમાં 49 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે લોધિકા, જસદણ અને વીંછિયામાં મેઘરાજાની પધરામણી થઇ ન હતી. મેઘરાજાની સાર્વત્રિક મહેરના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. રાજકોટ શહેરમાં આખો દિવસ મેઘાડંબરભર્યો માહોલ જોવા મળ્યો હતો અને શહેરના સેન્ટ્રલ ઝોનમાં 17, ઇસ્ટ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 15 એમ.એમ. વરસાદ પડ્યો હતો.