રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની દુઃખદ ઘટના બાદ છેલ્લા કેટલાંક દિવસોથી એકશનમાં આવેલા જુદા-જુદા સરકારી વિભાગોની સાથોસાથ હવે રાજકોટ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાગ્યું છે અને ફુડ એન્ડ સેફટી કાયદા મુજબ સુવિધા નહી ધરાવતી રાજકોટ જિલ્લાની 8 હોટલ અને રેસ્ટોરન્ટોને લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાની નોટિસો ફટકારવામાં આવી છે. રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં જેતપુર-પડધરીમાં પણ હોટલ એન્ડ રેસ્ટોરન્ટની ચકાસણીની ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી.
ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કાયદા હેઠળ નોટીસો ફટકારી
આ ડ્રાઈવ દરમિયાન 8 હોટલ-રેસ્ટોરન્ટોમાં ફુડ એન્ડ સેફટી કાયદા મુજબની પૂરતી સુવિધાઓ ન હોવા બદલ તથા પેસ્ટ કન્ટ્રોલની પણ સુવિધા ન હોય 8 હોટલોને આવતા 14 દિવસમાં કાયદા મુજબની સુવિધાઓ વસાવી લેવા તાકીદ કરી છે અને જો પૂરતી સુવિધાઓ ઉભી નહી કરાય તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાની ચેતવણી પણ નોટીસમાં અપાઈ છે. ફૂડ વિભાગનાં જણાવ્યા મુજબ તંત્રએ હોર્ન ઓકેપ્લીસ-કુવાડવા રોડ, રાધે કાઠીયાવાડી હોટલ- જામનગર રોડ, સરદારજી હવેલી- જામનગર રોડ તથા ધ ગ્રાન્ડ સચ્ચા સોદા- જામનગર રોડ, ગજાનન રિસોર્ટ- જામનગર રોડ, રજવાડી ડેરી પ્રોડકટ, જેતપુર, ભારત હોટલ, પડધરી, જામનગર રોડ અને ખોડીયાર હોટલ, જામનગર રોડ ને ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કાયદા હેઠળ નોટીસો ફટકારી છે.