રાજકોટ જિલ્લાની 11 હેરિટેજ પ્રાથમિક શાળાઓનો 5.14 કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર કરાશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક વારસો ગણાતા હેરિટેજને સાચવવા માટે અનેકવિધ પ્રયત્નો કરવામા આવતાં હોય છે. હેરિટેજ એ જે-તે જિલ્લા અને દેશની આગવી ઓળખ હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાની 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી જાહેર થયા પહેલા જ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત હોવાથી નવનિર્માણ ઝંખતી હતી. આ દરમિયાન આ પ્રાથમિક શાળાઓનાં રીનોવેશનની કામગીરી થતાં આ શાળાઓએ એક નવી જ ઓળખ પ્રાપ્ત થશે.

ધોરાજીની 6 શાળાઓ માટે રૂ. 2.76 કરોડ તો ઉપલેટાની 5 શાળાઓનો રૂ. 2.37 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામા આવશે. જેનાથી રાજાશાહી સમયની આ શાળાઓનો ઐતિહાસિક વારસો પણ સચવાશે અને જર્જરિત શાળાઓનુ પુનઃ નિર્માણ થતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મહારાજા ભગવતસિંહજીના શાસન કાળમાં રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા,ધોરાજી વિસ્તારોમાં ખૂબ સારો વિકાસ થયો હતો. તેઓ આધુનિક શિક્ષણના પ્રણેતા અને દૂરંદેશી શાસક હતા. તેમણે 20મી સદીના પ્રારંભમાં દરેક ગ્રામ વિસ્તારમાં શાળાઓ બંધાવી, જે શાળાઓમાંથી જિલ્લાના અનેક સમાજસેવકો, નેતાઓએ શિક્ષણ મેળવી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ 11 શાળાઓના રૂ. 5,14,43,107 ના ખર્ચે પુનઃ નિર્માણ થકી 1,737 વિદ્યાર્થીઓને લાભ મળશે. આ સાથે જ હાલ જર્જરિત શાળાઓનું આગામી સમયમાં જીર્ણોદ્ધાર થતા જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં શિક્ષણ પ્રવૃત્તિને વેગ મળશે તેમજ ઐતિહાસિક વારસાનું જતન પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *