ગુરુવારે રાજ્યના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા રાજકોટ દોડી આવ્યા હતા અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વિવિધ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સિવાય દવા, અનાજ, પેટ્રોલ-ડીઝલના જથ્થાની સ્થિતિ જાણી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિ.કમિશનર, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં પ્રિ-મોન્સૂનની તૈયારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યા હતા. જેને લઇને પી.જી.વી.સી.એલ. વિભાગને મેન્ટેનન્સની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા, આરોગ્ય વિભાગને દવાઓનો જરૂરી સ્ટોક-ક્લોરિન તથા સાધનો વગેરે તૈયાર રાખવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગને ડમ્પર, ટ્રક, જે.સી.બી. સહિતની અન્ય પ્રાથમિક અને જરૂરી સાધન-સામગ્રી તૈયાર રાખવા તાકીદ કરી હતી. અનાજ અને પુરવઠાની હાલની સ્થિતિ સમીક્ષા કરતાં રાજકોટ જિલ્લામાં ચણા, રાઇડો અને બાજરીની ટેકાના ભાવની ખરીદી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતોને સુવિધા મળે તે માટે પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સહિતની કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે તાકીદ કરી હતી. જોકે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં 11મી સુધી હંગામી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. ત્યાર બાદ પ્રિ-મોન્સૂનની કામગીરી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.