વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાર્થક કરવા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કવાયત ચાલી રહી છે અને 593 ગ્રામપંચાયતમાંથી 135 ગામ ટીબી મુક્ત થતા તેમના સરપંચોને ત્રિ-મંદિર ખાતે પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા અને કેપેસીટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, સહિયારા પ્રયાસોથી આવનારા સમયમાં સમગ્ર જિલ્લાને 2025માં ટીબી મુક્ત બનાવવા માટેની નેમ આપણે હાથ ધરી છે.
આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આશરે 32000 જેટલી સગર્ભાની નોંધણી થાય છે ત્યારે તેમની નોંધણી કરતા તેમજ ગ્રામ વિસ્તારમાં આરોગ્ય અંગે સ્ક્રીનિંગ કરતા તમામ આરોગ્ય કર્મીઓએ કોઈ પણ સગર્ભાને ટીબી જણાય તો તેને પીએચસીથી લઈ જિલ્લા સુધી લઈ આવી તેની આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહેવાથી બે જીવને બચાવી શકાશે. જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, સરપંચ માટે પોતાના ગામમાં એક પણ ટીબી પેશન્ટ ન હોવું તે ગર્વની બાબત છે.