રાજકોટ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારમાં ભારે વરસાદ પડ્યો હતો. હાલમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ રોકાયો છે. પરંતુ ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. સામાન્ય રીતે વરસાદ થયાના પખવાડિયા બાદ રોગચાળો ફેલાતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી રોગચાળો અટકાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના તમામ 595 ગામોમાં આરોગ્ય વિભાગની 753 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમજ જ્યાં જરૂર લાગે ત્યાં ડોર ટુ ડોર ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગ અટકાયત માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 595 ગામોમાં 753 આરોગ્યની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા આજે રવિવારની રજા હોવા છતાં ગોમટા, ગઢકા અને ખોખડદડ ગામ ખાતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ક્લોરીનની ગોળીઓ અને ORS પેકેટનું વિતરણ, ડસ્ટીંગ, ફોગીંગ તેમજ સ્વચ્છતા કામગીરી, પાણીનો આર.સી. ટેસ્ટ, પીવાના પાણીના પાઇપ લાઇનની લીકેજની તપાસ વગેરે કામગીરી કરવામાં આવી હતી. જ્યારે લોધિકાના રાવકી ગામે સરકારી મિલકતો તથા ડોર ટુ ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.