ચોમાસાની સિઝનમાં રાજકોટ શહેર અને જિલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ઉપરવાસના વરસાદને કારણે ડેમમાં નવાં નીરની આવક થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના 27 ડેમમાં 54 ટકા પાણીનો સંગ્રહ હાલમાં છે. જેમાં સૌથી વધુ ન્યારી-2 ડેમમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ 90.58 ટકા છે. આ સિવાય ભાદર-1 ડેમમાં 43.16 ટકા, આજી-1માં 71.12 ટકા અને ન્યારી-1 માં 58.88 પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત વેણુ-2 માં 76.43 ટકા, આજી-2 ડેમમાં 73.29 ટકા અને આજી-3માં 88.44 ટકા પાણીનો સંગ્રહ છે. આ સિવાય રાજકોટનાં લાલપરી જળાશયમાં 87.62 ટકા પાણી ભર્યુ છે તો ગોંડલી અને વેરી ડેમમાં સૌથી ઓછું પાણી આવેલ છે.
વેરીમાં 8.74 ટકા અને ગોંડલીમાં 6.14 ટકા પાણી ભર્યુ છે.જોકે હજુ વરસાદની સિઝન બાકી હોય ત્યારે ઉપરવાસના વરસાદને કારણે ડેમમાં નવાં નીરની આવક થશે.ડેમમાં નવાં નીરની આવક થતા પીવાના પાણી અને ખેતી માટે ડેમમાં પાણીનો સંગ્રહ આશીર્વાદ સમાન સાબિત થશે. ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયોમાં નવાં નીરની આવક થતા પાક-પાણીનું ચિત્ર ઉજળું સાબિત થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.