રાજકોટ શહેર જિલ્લામાં વરસાદના લીધે ડેમની જળસપાટીમાં વધારો થતા જળાશયોના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે.જેને કારણે જે જળાશયો અને ડેમમાં નવાં નીરની આવક થઇ છે કે, ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે તે વિસ્તારમાં રહેતા આજુબાજુના ગામોના લોકોને સતર્ક રહેવા માટે તાકીદ કરાઈ છે.
વરસાદના લીધે ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ- 2 ડેમમાં પાણીની આવક વધી છે. આથી બે દરવાજા અગાઉ 0.15 મીટર ખોલેલા હતા. તેમાં વધારો કરીને બે દરવાજા 0.30 મીટર કરવામાં આવ્યા છે. આથી અસરગ્રસ્ત ગધેથડ ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
ગધેથડ, ઉપરાંત વરજાંગ જાળિયા, મેખા ટીંબડી, નાગવદર, નીલાખા ગામ માટે પણ ખાસ ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે. આ ડેમ હાલ 55 મીટર પૂર્ણ સપાટીએ ભરાયેલો છે. હાલ ડેમમાં જળની આવક અને જાવક 1552 ક્યુસેક પાણી છે.