રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર વિસ્તારમાં પોલીસે ગુનાખોરી ડામવા અને પ્રજાલક્ષી કામગીરીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે ગુમ થયેલા મોબાઈલ પરત અપાવ્યા છે, જ્યારે ચોરી અને દારૂના કેસોમાં પણ કાર્યવાહી કરી છે.
ધોરાજી સિટી પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના CEIR પોર્ટલનો ઉપયોગ કરીને કુલ 10 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત રૂ. 2,10,276/- છે, જેમાં સેમસંગ S23, વિવો, ઓપ્પો અને રેડમી જેવા મોંઘા ફોનનો સમાવેશ થાય છે.
મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ અને પી.આઈ. કે.એસ. ગરચરની ટીમે આ ફોન ટ્રેસ કરીને તેમના મૂળ માલિકોને વિધિવત રીતે પરત સોંપ્યા હતા. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઈલ ગુમ થાય તો તુરંત CEIR પોર્ટલ પર તેની નોંધણી કરાવે.
બીજી તરફ, ઉપલેટાના મેરવદર ગામની સીમમાંથી ખેડૂતના ખેતરમાંથી વાહનોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. 72 વર્ષીય ખેડૂત ધીરજલાલ ભીમજીભાઈ કંટેસરીયાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 21 માર્ચની સવારે ખેતરમાં રાખેલું લાલ કલરનું મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર (કિંમત રૂ. 1,50,000) અને જંગીર કંપનીનું થ્રેસર (કિંમત રૂ. 4,00,000) ગાયબ જણાયા હતા. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ સદાદીયાએ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત, ભાયાવદર પોલીસે બાતમીના આધારે સાગર ચોક વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઇ હુણ અને તેમની ટીમે જયેશ પ્રફુલભાઇ વેસરાના ઘરે રેડ કરી હતી.
આ રેડ દરમિયાન 46 નંગ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત રૂ. 6,900/- છે, તે કબજે કરવામાં આવી હતી. આરોપી જયેશ વેસરાની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર વત્સલ કુંડારીયાનું નામ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.