ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા માટે દર વર્ષે શિક્ષણ વિભાગ સરકારી-ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના પેપર મૂલ્યાંકન કરનાર શિક્ષકોને એકસરખું જ ભથ્થું આપતા હતા. પરંતુ આ વર્ષથી સરકારી-ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને રૂ.400 અને ખાનગી સ્કૂલના શિક્ષકોને રૂ.240 જ ભથ્થું નક્કી કરતા છેલ્લા કેટલાક દિવસથી શિક્ષકોમાં વિરોધ થઇ રહ્યો છે. મંગળવારે રાજકોટ અને ગોંડલમાં કેટલાક કેન્દ્રમાં શિક્ષકોએ ભથ્થામાં વિસંગતતા મુદ્દે પેપર મૂલ્યાંકન કામગીરી બંધ કરી દેતા દેકારો મચી ગયો હતો.
બીજી બાજુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ શિક્ષણમંત્રીને ફરિયાદ કરતો પત્ર લખીને બોર્ડના પેપરોની ચકાસણી કરતા સરકારી – ગ્રાન્ટેડના શિક્ષકોને રૂ. 400 તો ખાનગી શાળાઓના શિક્ષકોને તે જ કામના માત્ર રૂ. 240 શા માટે ચૂકવવામાં આવે છે? તેવા સવાલ સાથે લેખિત રજૂઆત કરી હતી. રાજકોટનાં ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષકોએ બોર્ડના પેપરોની ચકાસણી બંધ કરી દીધી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાતના પ્રમુખ જતીન ભરાડે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અત્યારે ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડ પરીક્ષાના પેપર મૂલ્યાંકનની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગ્રાન્ટેડ શાળા અને ગવર્મેન્ટ શાળાના શિક્ષકોને શહેરની કેટેગરી પ્રમાણે રૂ.400 પ્રમાણે ભથ્થું ચૂકવવામાં આવે છે જ્યારે ફિક્સ પગારવાળા તેમજ ખાનગી શાળાના શિક્ષકો અને જ્ઞાન સહાયકને રૂ. 240 પ્રમાણે ફિક્સ ભથ્થું ચૂકવાય છે.