રાજકોટ શહેરના મંગળા મેઈન રોડ પર ગત 29 ઓક્ટોબરના રોજ પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે બંને ગેંગના મળી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં શહેર SOG ટીમે મોહસીન ઉર્ફે ભેંસને રિવોલ્વર અને ખાલી કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો છે, જયારે હથિયાર સપ્લાય કરનાર યુપીની બેલડીને પણ દબોચી લેવામાં આવી છે. આ ઉપરાંત સામા પક્ષે પેંડા ગેંગના સાગરીત નીતિન ગઢવીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આજરોજ પાંચ આરોપીઓને ઘટના સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આ સમયે આરોપીઓ દ્વારા બે હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગવામાં આવી હતી.
સ્મીત એન્ડ વેલ્સન નામની સેમી વિદેશી રિવોલ્વર સાથે ઝડપાયો રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મૂર્ઘા ગેંગના બે સભ્યો ઈશરાકઅલી ઉર્ફે પુતન અને સલ્તાન નનકે ફકીર ઉત્તરપ્રદેશ ભાગી ગયા છે, જેના આધારે SOGની એક ટીમ ઉત્તર પ્રદેશ તપાસ અર્થે પહોંચી હતી, જયાંથી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઈશરાકલી ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાનો જયારે આરોપી સલમાન બહેરાઈચ જીલ્લાનો વતની છે. બંને આરોપીઓ હાલ જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહે છે.
બંને આરોપીઓ મૂર્ઘા ગેંગને હથિયાર આપવા આવ્યા હતા એટલું જ નહીં બંને આરોપીઓની ઘટના સ્થળે પણ હાજરી મળી હતી, જેને ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મૂર્ઘા ગેંગના મોહસીન ઉર્ફે ભેંસ નાસીર તાયાણીને સ્મીત એન્ડ વેલ્સન નામની સેમી વિદેશી ગણાતી રિવોલ્વર અને તેના 3 ફૂટેલા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી મોહસીન મૂળ ધોરાજીનો વતની છે અને હાલ જંગલેશ્વરમાં રહે છે. મૂર્ઘા ગેંગે ફાયરિંગ કર્યા બાદ હથિયાર આરોપી મોહસીનને આપી દીધું હતું. તેની આ ભૂમિકા ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે.