રાજકોટના તાલુકા પોલીસ મથકમાં 1989ની સાલમાં નોંધાયેલા ગુનાના કેસના દસ્તાવેજી આધાર-પુરાવા ગુમ થઇ જવાના કેસમાં ફરિયાદી બીપીનચંદ્ર ભીખાલાલ દરજીએ અદાલતમાં તહોમતદાર પ્રવીણચંદ્ર ભીખાલાલ દરજી અને અન્ય આરોપીઓ સામે કરતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા અરજી કરી હતી જેના અનુસંધાને 16માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલિયા સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ઇસ્યુ કરી હાજર થવા ફરમાન કરતા ખળભળાટ મચી ગયો છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ બાદ પણ પીઆઇ ગોંડલિયા બે મુદ્દતમાં હાજર ન રહેતા હવે તા.13-8ની નવી મુદ્દત પાડવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, બિપીનચંદ્ર ભીખાલાલ દરજીએ તા.1-4-2024ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી જેમાં એવી રજૂઆત કરી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુના રજિસ્ટર નં.એમ.કેસ 16/1989 નોંધાવવામાં આવ્યો હતો. જેમાં આઇપીસી કલમ-420, 468, 471,114 મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરનાર અમલદારે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. જે હાલમાં ક્રિમિનલ કેસ નં.4385/89થી રજિસ્ટર્ડ થયેલ છે. જે કોર્ટમાં પેન્ડિંગ છે.