રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન કચેરીમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કામના ભારણ અને સમયની ખેંચતાણ વચ્ચે એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસી. ઈજનેરને જાહેરમાં ફડાકો ઝીંકતા સમગ્ર મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં મનપાનાં એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા મનપા કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી કામગીરી અટકાવી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા એન્જિનિયર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઇસ્ટ ઝોન કચેરીએ એકઠા થયા હતા. કર્મચારીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ફરજ પરના અધિકારી પર થયેલા હુમલાને ગંભીર ગણાવ્યો છે. એસોસિએશન દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ કચેરીના પટાંગણમાં બેસીને રામધૂન બોલાવી મનીષ વેકરિયા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનપા એન્જિનિયરિંગ એસોસિએશને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આ મામલે સત્વરે નક્કર પગલાં લેવામાં નહીં આવે અને એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય, તો બધા એન્જિનિયરો આગામી સમયમાં માસ CL ઉપર ઉતરી જશે, જેના કારણે શહેરના વિકાસના કામો અટકી શકે છે.