રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દે ની સામે પડેલા નિકિતા દે ના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાંથી કિન્નરોના ગાદીપતિ અહીં એકત્રિત થયા હતા. અમદાવાદ , બરોડા ,જૂનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહીત 70 થી વધુ ગાદીપતિ અહીં પહોંચ્યા હતા. કિન્નર નિકિતા દે એ ગાદીપતિ મીરા દે વિરુધ્ધ કરેલા આક્ષેપોને નકારી તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો હતો. નિકિતા દે ના ફોટો પર ચપ્પલો મારી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કિન્નર સમાજમાંથી નિકિતા દે નો બોયકોટનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિન્નરોની આરપારની લડાઈ રાષ્ટ્રીય સ્તર પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર સુધી પહોંચી છે.
‘નિકિતા દે કિન્નર છે કે નર છે એ ખબર નથી’ જૂનાગઢના પંચદશનામ જૂના અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનારીએ જણાવ્યું હતું કે, નિકિતા દે કિન્નર છે કે નર છે એ ખબર નથી પરંતુ તેને અમારા સમાજમાંથી બોયકોટ એટલા માટે કરવામાં આવી છે કે તેને કિન્નર સમાજની પરંપરા તોડી છે અને હોદો મેળવવા માટે પાયા વિહોણા આક્ષેપો કર્યા છે. આ એક જગ્યા મેળવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શિવરાત્રીના મેળા દરમિયાન અમારી સાથે ઘણા બધા છોકરાઓ સેવામાં જોડાયેલા હોય છે તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે? નિકિતા દે એ પોતાના મોજ શોખ પુરા કરવા માટે ગુરુ વિરુદ્ધ કાવતરું રચ્યું છે અને ગાદીપતિ બનવા માંગે છે પરંતુ જો તેના દ્વારા સમગ્ર કિન્નર સમાજની માફી માગવામાં આવશે તો તેને માફ કરવામાં આવશે.
‘મીરા દે ઉપર નિકિતા દેએ કરેલા આક્ષેપો ખોટા’ અમદાવાદથી આવેલા કશિશ દે એ જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી કિન્નરો અહીં એકત્ર થયા છીએ. છેલ્લા ત્રણ ચાર દિવસથી મીરા દે ઉપર નિકિતા દે દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકોટના ગાદીપતિ મીરા દે છે. જેમની સાથે મિહિર નામના યુવાનનું નામ જોડવામાં આવ્યું છે તેનો આમાં કોઈ રોલ જ નથી. મીરા દે અને મિહિર વચ્ચે કોઈ જો સંબંધો નથી કે જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જેથી અમે ડુપ્લીકેટ કિન્નર નિકિતા દે નો વિરોધ કરીએ છીએ કારણકે ગુરુની હાજરીમાં તેને ગાદીપતિ બનવું છે જેથી ખોટા આક્ષેપો કરતી નિકિતા દે ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.