રાજકોટ જિલ્લામાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનારા સામે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ખોખડદડ ગામે ખેતીના હેતુ માટે નોંધાયેલી જમીનમાં ગ્રીનએપલ પાર્ટીપ્લૉટ શરૂ કરી કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા શરત ભંગનો કેસ દાખલ કરવામાં આવેલો છે અને તે બદલ કલેકટર ડૉ. ઓમ પ્રકાશે દ્વારા જમીન ધારકને રૂ.22.32 લાખનો દંડ ફટકાર્યો છે.
પાર્ટી પ્લોટ તરીકે જમીનનો ઉપયોગ થતો મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકાના ખોખડદડ ગામના સર્વે નં.192ની 22663 ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્જેદાર કરસનભાઈ ગાંડુભાઈ શિયાણી તથા અન્યો છે. આ જમીન ગ્રીન એપલ પાર્ટી પ્લોટના નામથી કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્યાને આવતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સંબંધિત વિસ્તારના મદદનીશ કલેક્ટર રાજકોટ શહેર-2ને જમીનની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.તપાસ દરમિયાન આ જમીનનો વર્ષ 2019થી કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્લોટ માટે જમીન પર રૂમ, મકાન, રસોડું તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું.
ખેતીની જમીનનો બિનઅધિકૃત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટર દ્વારા 22663 ચો.મી. જમીન પૈકીની 10,530 ચો.મી.પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂ.2,73,800 પ્રમાણે સાત વર્ષના સમયગાળા માટે રૂ.19 લાખ 16 હજાર 600 દંડ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂ.3 લાખ 15 હજાર 900 રૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે.