રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં કરંટ લાગવાથી ઓરિસ્સાના શ્રમિક યુવાનનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મુળ ઓરિસ્સાનો વતની અને હાલ નવા 150 ફુટ રીંગ રોડ પર વગડ ચોકડી પાસે રહેતો અને મજુરી કામ કરતો તુમેશ્ર્વર સન્યાસી કરૂઆ (ઉ.વ.23) નામનો યુવાન આજે સવારે કણકોટ નજીક વાગુદડ જવાના રસ્તે દિનેશભાઈ સોરઠીયાની વાડીમાં રૂમની છત ભરવા માટે ખીલાસળી બાંધી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઉપરથી પસાર થતી વીજલાઈનને સળીયો અડી જતાં વીજશોક લાગતાં તુમેશ્ર્વર બેભાન થઈ ઢળી પડયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ પતિ મહેશ મગનભાઈ મેર વિરૂધ્ધ મારકુટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રાસ આપ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2022માં જૂનાગઢના યુવક સાથે લગ્ન થયા બાદ 3 મહિના પછી છૂટાછેડા લઈ લીધા હતા. 2018માં લો કોલેજમાં અભ્યાસ દરમિયાન આરોપી સાથે પરિચય થતાં 2023માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતાં 2023માં છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી પતિએ માફી માંગી લેતાં અને હવે હેરાન નહીં કરે તેવી ખાત્રી આપતાં 2024માં ફરીથી કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન પતિ અવાર-નવાર કોઈ મહિલા સાથે વાતચીત કરતો હોવાની શંકા જતાં પૂછતાં ઝઘડો કરી મારકુટ કરતો હતો. ગઈ તા. 15ના રોજ પતિ અન્ય મહિલા સાથે વાત નહીં કરવા સમજાવતાં છરી લઈ કહ્યું કે તું મને ગમતી નથી, તને જાનથી મારી નાખીશ કહી માર માર્યો હતો. જેથી તે વખતે સિવીલમાં સારવાર લીધી હતી. બાદમાં પતિ વિરૂધ્ધ અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.