અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયા બાદ અખાએ ગુજરાતમાં જિલ્લા મથકે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ઘાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા રાજકોટ શહેર કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેર ભાજપ દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તા તેમજ સમાજના શ્રેષ્ઠિઓ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી વિજય રૂપાણીના આત્માને શ્રદ્ઘા સુમન અર્પણ કર્યા હતા. સિક્કિમના રાજ્યપાલ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ઓમ માથુર પણ આજે રાજકોટ આવ્યા હતા અને પરિવારને શાંત્વના પાઠવી અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ‘વિજયભાઈના નામની આગળ સ્વ. લગાડવા મન માનતું નથી. વિજયભાઈ અને અમે એક કેડીના કાર્યકર્તા કહેવાઈએ. હું થોડો એમનાથી મોટો છું અને આપણાથી નાના વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવી એ સૌથી મોટો ભાર અને પીડાદાયક સમય છે.’ તેમણે વિજયભાઈ અને અંજલીબેનની જોડીને ભાજપમાં કાર્યકર્તાઓની આદર્શ જોડી ગણાવી અને આ જોડી તૂટવાનું રંજ વ્યક્ત કર્યું.