રાજકોટ એસટી વિભાગની 100 એકસ્ટ્રા બસ દોડતી થઈ

દિવાળીના પર્વમાં સલામત સવારી ગણાતી એસટી બસમાં લોકોની ચિક્કાર ભીડ ઉમટી પડશે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા તેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 550 જેટલી બસ દોડે છે. જોકે દિવાળીમાં લોકો પોતાના સ્નેહીજનોને ત્યાં જવા માટે તેમજ હરવા ફરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન આજથી શરૂ થઈ ગયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઊંચા ભાડા આપી લૂંટાવવુ ન પડે. રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે 25000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે 5000 નો વધારો થશે.

એસટી બસ સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી કથા ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTC ની વેબસાઈટ અથવા તો એપ્લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ એસટી વિભાગની દૈનિક આવક રૂ. 60 લાખ જેટલી છે. જે દૈનિક આવક રૂ.70 લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *