રાજકોટ એસટી વિભાગ દ્વારા દર વખતે તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. જે મુજબ હવે હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેના એક અઠવાડિયા પહેલાથી રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકી દેવામાં આવી છે. હાલ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 40 બસો દોડાવવામાં આવી રહી છે. 52 સીટરની આ એક્સ્ટ્રા બસોમાં બેસતા મુસાફરો પાસેથી દોઢું ભાડું વસૂલવામાં આવશે. પરંતું તે ખાનગી બસો કે વાહનો કરતા ઓછું હશે તેવું એસટી વિભાગનાં અધિકારીનું કહેવું છે. આ ઉપરાંત જરૂરિયાત મૂજબ જે રૂટ પર વધુ ટ્રાફિક હશે ત્યાં વધારાની બસો મૂકવામાં આવશે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. જે બસો 23મી માર્ચ સુધી દોડશે. જેમાં દાહોદ, ઝાલોદ અને પંચમહાલ સહિતનાં રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ, ગોંડલ અને મોરબી ડેપોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામા આવશે. આ ઉપરાંત હોળી-ધૂળેટી તહેવાર દરમિયાન કોઈ જગ્યાએ વધુ ટ્રાફિકજામ હશે તો ત્યાં તુરંત એક્સ્ટ્રા બસ મૂકી દેવામા આવશે. જેથી મુસાફરોને કોઈ તકલીફનો સામનો કરવો નહીં પડે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોળી-ધૂળેટીના તહેવારોમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેનું દોઢું ભાડું વસૂલવામાં આવશે. જોકે તે બસોનું ભાડું ખાનગી બસો કે વાહનો કરતા ઓછું હશે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુકાનારી એક્સ્ટ્રા બસો સુપર ડિલક્સ હશે અને 52 સીટર હશે. તહેવારોમાં મુસાફરોને સસ્તી અને સલામત સવારી ગણાતી એસટી બસનો લાભ મળી રહે તે માટે વધુ ભીડ હશે તે રૂટ પર એક્સ્ટ્રા બસો ફાળવી દેવામાં આવશે. તહેવારોમાં એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધુ રહે છે અને તેને લીધે બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો મૂકવામાં આવે છે. જેથી એસટી બસોમાં ધક્કામુક્કી ન થાય અને મુસાફરોને બસમાં ઉભા ઉભા મુસાફરી કરી હેરાનગતિ ન ભોગવવી પડે.