રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જતા વિદેશી મુસાફરની રૂ.5 કરોડની ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જોકે, CISF દ્વારા કરાયેલા CCTV સર્વેલન્સ દરમિયાન અન્ય મુસાફર પાસેથી આ કાંડા ઘડિયાળ મળી આવી હતી, જેથી મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. કિંમતી વોચ ગાયબ થઇ જતા વિદેશી મુસાફર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, આ ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે CISF સ્ટાફની પ્રશંસા કરી હતી.
મળતી વિગતો મુજબ 20 જાન્યુઆરીના સવારે રાજકોટથી 8.35 વાગ્યે મુંબઈ જતી ફલાઇટમાં જવા માટે મુસાફરો રવાના થવાના હતા. આ દરમિયાન એક વિદેશી મુસાફરની કિંમતી ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જેથી ઇન્સ્પેક્ટર એન.એસ. રાઠોરના માર્ગદર્શનથી CISF ની ટીમ, ઇન્ટેલિજન્સ યુનિટ અને સીસીટીવી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તે વોચની શોધખોળ કરવામાં આવી હતી.
સવારના ભીડના સમયે એરપોર્ટ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન ગાયબ થઈ ગયેલી વોચ બોર્ડિંગ શરૂ થતાં જ અન્ય મુસાફર પાસેથી મળી આવી હતી. જેથી વિદેશી મુસાફરને તેની ગોલ્ડની કાંડા ઘડિયાળ પરત મળી હતી. જેની કિંમત અંદાજે રૂ.5 કરોડ જેટલી હતી. જોકે કિંમતી ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે પણ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.