રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે સ્થિત હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનો બાદ હવે ઝેરી સાપના આંટાફેરા જોવા મળ્યા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ તૈયાર હીરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નવા ટર્મિનલ પરિસર વિસ્તારમાં ઝેરી સર્પ દેખાતા મુસાફરો અને ફરજ બજાવતા કર્મચારીઓમાં અફરાતફરી મચી હતી. જોકે વિમાન મથકની બર્ડ ચેસર એટલે કે વન્ય જીવ ટીમે સર્પનું રેસ્કયુ કરી કુદરતી વાતાવરણ સુરક્ષિત મુકત કરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈ, 2023ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના 2 વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ નથી. 9 ફેબ્રુઆરી, 2025ના રોજ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થયા બાદ સુવિધામાં વધારો થયો છે પરંતુ આ એરપોર્ટનું જંગલ વિસ્તારમાં નિર્માણ થયું હોવાથી વન્ય જીવોની અવરજવર રહે છે. દિપડા સહિતના પ્રાણીઓ અહીં જોવા મળે છે ત્યારે સાપના આંટાફેરા પણ રહે છે. અહીં એક દિવસ પહેલા જ ઝેરી સાપ દેખાતા એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો ડરી ગયા હતા.