રાજકોટ શહેર માટે તહેવારની મોસમ માત્ર ઉજવણીનો સમય નહીં, પરંતુ ઉડાનનો સમય પણ બની રહ્યો છે. હિરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓક્ટોબર માસ દરમિયાન મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. તહેવારોની સિઝન અને ફ્લાઈટ ફ્રીક્વન્સીમાં થયેલા વધારાને કારણે એરપોર્ટ પર યાત્રી સંખ્યાએ એક લાખનો આંકડો પાર કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો ગણાય છે.
મળતી માહિતી મુજબ, ઓક્ટોબર 2025 દરમિયાન કુલ 318 ફ્લાઈટોના ઉડ્ડયનમાં 1,04,242 મુસાફર નોંધાયા હતા, જેમાં 51,627 આગમન અને 52,615 પ્રસ્થાન નોંધાયું હતું. તુલનાત્મક રીતે જોવામાં આવે તો, સપ્ટેમ્બર 2025માં 271 ફ્લાઈટોમાં 91,367 મુસાફરોની નોંધણી થઈ હતી, એટલે કે માત્ર એક મહિનામાં 12,875 યાત્રિકનો વધારો થયો છે.
તહેવારોની શરૂઆત સાથે, ખાસ કરીને દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના દિવસોમાં રાજકોટ એરપોર્ટમાં યાત્રિકોની ભારે અવરજવર જોવા મળી હતી. પર્યટકો, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓની વધતી હલચલને કારણે એરપોર્ટ પર સતત ધમધમાટ જોવા મળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધુ રૂટ્સ અને ફ્લાઈટો શરૂ કરવાની યોજના છે.
સૌથી વધુ મુંબઈની રોજ 6 ફ્લાઈટ ઊડે છે, દિલ્હીની 4 હાલ દિલ્હી માટે દરરોજ 4 ફ્લાઈટ, મુંબઈ માટે 6 ફ્લાઈટ, તેમજ હૈદરાબાદ, ગોવા અને બેંગલુરુ માટે પ્રતિદિન 1 ફ્લાઈટ ઊડે છે, જ્યારે પૂણે માટે સપ્તાહમાં ત્રણ દિવસ સેવા ઉપલબ્ધ છે. આ રૂટ્સથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને પ્રવાસીઓને મેટ્રો શહેરો સાથે અને સરળ હવાઈ કનેક્ટિવિટી મળી રહી છે.