રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક વર્ષમાં વિવાદમાં આવી ગયું છે. એરપોર્ટની અગાઉ કેનોપી તૂટી પડી હતી અને હવે દીવાલ પડી છે. આ ઘટના બનતાં એરપોર્ટ ઓથોરિટીની આબરૂના ધજાગરા ઉડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહીં, વરસાદને કારણે એરપોર્ટની દીવાલ તૂટી પડી છે, તે દીવાલ રન-વેથી ખૂબ જ નજીક છે. એરપોર્ટની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડતાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઈટ જ્યાંથી ઉડાન ભરે છે, તે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી. એક વર્ષ પહેલા જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસેની બોર્ડરની દીવાલનો મસમોટા ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તેને કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ એરપોર્ટનું નિર્માણ કરતાં કોન્ટ્રાક્ટરના કામ સામે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેશે કે કેમ તે સવાલ છે.