રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચોરી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ લોકોનો માલ સામાન સુરક્ષિત નથી રહ્યો કારણ કે રાજકોટ પોલીસે આજે એક એવા આરોપીની ધરપકડ કરી છે. જેને તાજેતરમાં જ રાજકોટ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરતા બે મુસાફરોના સામાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આરોપી પોતે એરપોર્ટ પર છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હતો, તેણે સીસીટીવી કેમેરા બંધ કરી બન્ને વખત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસે સોનાનું બ્રેસલેટ તેમજ રોકડ રકમ સહિત કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મુસાફરી કરતા બે મુસાફરોના સામાનમાંથી રોકડ રકમ તેમજ ઘરેણાં ચોરી થયા અંગે ફરિયાદ કરી હતી. જેના આધારે LCB ઝોન 1 ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ કેસમાં આરોપી જયરાજ ખાચર (ઉ.વ.28)ને ઝડપી પાડી તેની પાસેથી સોનાનું બ્રેસલેટ, સોનાની બુટી, સોનાની ઝૂમર અને રોકડ રકમ મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી છેલ્લા 5 વર્ષથી રાજકોટ એરપોર્ટ પર કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હોવાનું સેમ આવ્યું છે. સીસીટીવી સહિત વગેરે મેન્ટેનન્સ જવાબદારી તેમની હોવાથી પોતે જાણકાર હોવાથી સીસીટીવી કેમેરા બંધ કરી બન્ને ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી અગાઉ પણ વર્ષ 2017માં સુરેન્દ્રનગર પોલીસમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *